જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


28 February 2018

જાણો કઈ રીતે ૨ મહિને બીલ બનાવી વીજ કંપનીઓ ગ્રાહકો ને લુટે છે ?

આપણે એવુ લાગે છે કે વીજળીનું બીલ 1 મહિને આવે કે 2 મહિને શુ પ્રોબ્લમ ! કદાચ આપણે વિચારતા હોઈએ કે દર 2 મહિને બીલ આવે એતો સારુ કહેવાય , પણ નહિ વીજ કંપનીઓના આ ભાવ સ્લેબ ને જાણ્યા પછી તમે પણ કહેશો કે ખરેખર 2 મહિને બીલ આવે તે નુકશાની છે.
ઘણા લોકો ને ખબર હશે કે વીજ કંપની ના સ્લેબ મુજબ જેટલા યુનિટ વધારે વપરાય તેટલો વધારે ભાવ લાગે જે ભાવ નીચે આપેલા છે. તો શું આ વધારાના બીલ ની આવક મેળવવા વીજ કંપની ઓ દર 2 મહિને બીલ બનાવે છે?

ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ ના પરિપત્રમાં પણ રહેણાંક, કોમર્શીયલ અને ઔધોગિક ક્ષેત્ર માટે માસિક ટેરીફ જ દર્શાવવામાં આવ્યા છે છતાં વીજ કંપનીઓ દ્વારા રહેણાંક વિસ્તારોમાં 60 દિવસે અને ઔધોગિક વિસ્તાર 30 દિવસે બીલ આપે છે.

તો જાણીએ કે કેવી રીતે વીજ કંપનીઓ ગ્રાહકોને લુટે છે

રહેણાંક વિસ્તાર ના ભાવ યુનિટ-સ્લેબ પ્રમાણે

1 થી 100 યુનિટ      = 3.૦5 રૂપિયા

101 થી 200 યુનિટ = 3.50 રૂપિયા

201 થી 400 યુનિટ  = 4.15 રૂપિયા

401 થી 500 યુનિટ = 4.25 રૂપિયા

501 થી વધારે       = 5.20 રૂપિયા

ઝોન પ્રમાણે ભાવ મા થોડો ફેરફાર હોય શકે. જાણીએ 1 મહિને અને 2 મહિને બીલ થાય તો કેટલો તફાવત રહે. મિત્રો તમને પણ અંદાજ આવી ગયો હશે, પણ નીચે આપેલા ફેરફાર જાણી તમને વિશ્વાસ પણ આવશે.

દા.ત : એક ગ્રાહક ને દર 2 મહિને 400 યુનિટ આવે છે તો તેનું બીલ 1660 રૂપિયા થાય અને મીટર ચાર્જ અલગ.

400 x 4.15 = 1660

અને 1 મહિના પ્રમાણે જોઈએ તો 200 યુનિટ થાય

200 x 3.50 = 700

એક મહિના ના 700 રૂપિયા થાય તો બે મહિના ના 1400 થાય, એ પ્રમાણે જોઈએ તો …..
તફાવત : 1660 – 1400 = 260 રૂપિયા થાય. એટલે કે ગ્રાહક વીજ કંપની ને દર 2 મહિને 260 વધારે ચુકવે છે અને મીટર ચાર્જ અલગથી ઉમેરવામાં આવે છે..

મિત્રો આ બાબત પર ઘણા ગ્રાહકો એ રજૂઆત કરી છે પણ અત્યાર સુધી કોઈપણ પગલા લેવામાં નથી આવ્યા. દરેક વ્યક્તિઓ સાથ આપશે તો કદાચ બદલાવ આવી શકે, આપણે થોડું જાગૃત થવાની જરૂર છે. આ પોસ્ટને દરેક વ્યક્તિ સાથે શેર કરો અને જણાવો કે કેટલી લુટ કરવામાં આવે છે.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ આર્ટીકલ ગમ્યું હશે,

સોજન્ય:  Trisul News

20 February 2018

કૃષિ ક્ષેત્રના જોખમોને પહોંચી વળવા ૧૧૦૧ કરોડની જોગવાઇ ટ્રેકટરની ખરીદીમાં સહાય - ઓજારો ખરીદવા પણ મદદ

ગાંધીનગર તા. ર૦ આજે બજેટમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે જણાવેલ છે કે ખેડૂતોને પુરતી વિજળી, પાણી અને ખાતર જેવી પ્રાથમિક સુવીધાઓ ઉપરાંત વીમાનું રક્ષણ મળવાથી ગુજરાતની ખેતી અને ખેડૂતો સમૃધ્ધ બન્યા છે. રાજય સરકારે ખેડૂતોને પાકોના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે અનેકવિધ આયોજનો કર્યા છે. રાજયના ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીની નીતિ હેઠળ મગફળી અને કપાસ જેવા વિવિધ પાકોમાં સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત ટામેટા અને બટાકાના ભાવ નીચા જાય તેવા કિસ્સામાં ખેડૂતોના હિતમાં વાહતુક સબસીડી અને ડુંગળીના પાકમાં ઉત્પાદન સહાય આપવામાં આવે છે, જે સરકારના ખેડૂતલક્ષી અભિગમને પુરવાર કરે છે.


પાક વિમા નિધિ સહિત પ્રધાન મંત્રી ફસલ વીમા યોજના, ખેડૂત અકસ્માત વીમો, ભાવ સ્થિરીકરણ વગેરે કૃષિ ક્ષેત્રના જોખમોને પહોંચી વળવા અમારી સરકાર દ્વારા રૂ. ૧૧૦૧ કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરવામાં આવેલ છે.
ખેડૂતોની પ્રગતિ અને કલ્યાણ અમારી પ્રાથમિકતા હોઇ, ખેડૂતોને ઝીરો ટકાના વ્યાજે પાક ધિરાણ મળે તે માટે જોગવાઇ રૂ. પ૦૦ કરોઙ
પાક કૃષિ વ્યવસ્થાની વિવિધ યોજનાઓ અંતર્ગત રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત રૂ. ૩૯પ કરોડની જોગવાઇ.
કૃષિ યાંત્રીકીકરણ માટે કુલ રૂ. ર૩પ કરોડની જોગવાઇ, જે અંતર્ગત ર૯,૦૦૦ ખેડૂતોને ટ્રેકટરની ખરીદીમાં અને ૩ર,૦૦૦ ખેડૂતોને કૃષિ યાંત્રીકીકરણના વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવામાં આવશે.
અનુસુચિત જાતી, અનુસુચિત જનજાતિ અને નાના-સીમાંત ખેડૂતોને હેન્ડ ટૂલ્સ કીટમાં સહાય આપવા રૂ. ર૧ કરોડની જોગવાઇ.
રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન હેઠળ ઘઉં, ચોખા, કઠોળ, બરછટ અનાજ અને કપાસ તથા શેરડી જેવા વાણીજીયક પાકોના ઉત્પાદનમાં વૃધ્ધિ માટે કુલ રૂ. ૭ર કરોડની જોગવાઇ.
તેલીબીયા પાકોનું ઉત્પાદન વધારવા નેશનલ મીશન ઓન ઓઇલસીડ એન્ડ ઓઇલપામ યોજના અંતર્ગત કુલ રૂ. ૪૧ કરોડની જોગવાઇ.
 પ્રધાન મંત્રી કૃષિ સિંચાઇ યોજના હેઠળ રૂ. ૮પ કરોડની જોગવાઇ, જે અંતર્ગત અંદાજીત ૧૪,ર૦૦ ખેત તલાવડી બનાવવમાં આવશે.
ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી પધ્ધતીઓનું માર્ગદર્શન આપવા કૃષિ મહોત્સવ ર૦૧૮ ના  આયોજન માટે રૂ. ૩૦ કરોડની જોગવાઇ.
ખેડૂતોને સમયસર અને પુરતા જથ્થામાં રાસાયણિક ખાતર પુરૂ પાડવા માટે રૂ. ર૮.પ૦ કરોડની જોગવાઇ

15 February 2018

રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેનપદે સર્વાનુમતે નિયુકત થતા રાજયના અન્ન-નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા


સૌરાષ્ટ્રની ગ્રામીણ  સહકારી ક્ષેત્રની સૌથી મોટી ગણાતી રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં ર૩ વર્ષ બાદ નેતૃત્વ પરિવર્તન થયુ છે. ૧૯૯પ થી બેંકને નેતૃત્વ પુરૂ પાડી રહેલા સાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયાએ નાદુરસ્ત તબીયતના કારણે રાજીનામું આપતા તેમના સૂપૂત્ર રાજયના નાગરીક પુરવઠા મંત્રીશ્રી જયેશ રાદડિયાએ આજથી ચેરમેન તરીકે સુકાન સંભાળ્યુ છે.

જિલ્લા બેંકના ચેરમેન પદે ચૂંટાયા બાદ મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ જણાવ્યુ હતુ કે આ બેંકમાં ૨.૨૫ લાખ ખેડૂત સભાસદો છે. જેઓ જિલ્લાની વિવિધ સહકારી મંડળીઓ મારફત બેંક સાથે જોડાયેલ છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે આ જિલ્લા સહકારી બેંક ખેડૂતોની મોટી સહકારી સંસ્થા છે અને ભવિષ્યમાં જરૂરીયાત અનુસાર ખેડૂતોના હિત માટે વિવિધ કાર્યો કરવામાં આવશે. ભૂતકાળમાં પણ બેંક દ્વારા ખેડૂતોના હક્ક-હિત માટે સંસ્થા દ્વારા અનેકવિધ નિર્ણયો કરવામાં આવેલ છે.

વિઠ્ઠલભાઇ રાદડિયા દિવાળીના વખતથી બિમારીના કારણે અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમની લાંબી ગેરહાજરીની વહીવટ પર વિપરીત અસર ન પડે તે માટે તબીબી પ્રમાણ પત્રના આધારે બોર્ડ ઓફ ડીરેકટર્સે તેમના રાજીનામાની પ્રક્રિયા હાથ ધરેલ. જિલ્લા રજીસ્ટ્રારે ચેરમેન પદને ખાલી ગણી નવી ચૂંટણી માટે આજનો કાર્યક્રમ જાહેર કરેલ ચૂંટણી અધિકારી તરીકે ડી. ડી. ડી.ઓ. શ્રી ધીરેન મકવાણાની નિમણુક કરેલ. આજે બોર્ડ બેઠકમાં અન્ય કોઇએ ઉમેદવારી ન નોંધાવતા જયેશ રાદડીયાને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા હતાં. તેઓ આવતા સવા બે વર્ષ સુધીની મુદત માટે ચૂંટાયા છે. ત્યારબાદ બેંકની સામાન્ય ચૂંટણી આવી રહી છે. તેઓ વર્ષોથી બેંકના ડીરેકટર પદે રહેલ. બેંકના વહીવટથી પરિચિત છે.

13 February 2018

જંતુનાશક દવાઓમાં રહેલા ઝેર ની માત્રા વિશે સમજીએ તેમજ જંતુનાશક દવાનો છંટકાવ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો

દવાનો સંગ્રહ કરતી વખતે રાખવાની કાળજી:

 દવાના પેકીંગ ઉપર લખેલ લેબલ કાળજીપૂર્વક વાંચી અને તેના ઉપર કંપની તરફથી આપવામાં આવેલ સૂચના પ્રમાણે વર્તવું, જે ખેડૂત અભણ હોય તો ભણેલા પાસે સૂચના વંચાવ્યા અને સૂચના સમજીને પછી જ દવાનો ઉપયોગ કરવો.

જે તે દવાને પોતાના અસલ લેબલવાળા પેકીંગમાં જ રાખવી. બહારનું લેબલ જુદુ હોય અને અંદર દવા બીજી હોય તેવું કરવાનું ટાળવું.

બાળકો, વૃદ્ધો તથા પરિવારના જે સભ્યો ખેતી કાર્ય સાથે સંકળાયેલ ન હોય અને પાલતું પશુઓના સંપર્કમાં ન આવે તેવી રીતે તાળું મારીને હવા-ઉજાસવાળા સ્ટોરરૂમમાં જંતુનાશક દવાનો સંગ્રહ કરવો હિતાવહ છે.

જંતુનાશક દવાનો સંગ્રહ ખોરાક તથા ખાદ્ય પદાર્થથી હંમેશા અલગ સંગ્રહ કરવો.

મુદત વિતેલ તારીખની તેમજ લીકેજ થઇ ગયેલ પેકીંગવાળી દવાનો સંગ્રહ ન કરતાં તેને જમીનમાં દાટી નિકાલ કરવો.

દવાની ઝેરી અસર થાય અને ડોકટર આવે કે દવાખાને પહોંચીએ. તે પહેલાં દર્દીન પ્રાથમિક સારવાર આપવી ખાસ જરૂરી બની રહે છે.

દવા કે તેના ખાલી ટીન કોઇપણ સંજોગોમાં ઘરવપરાશના ઉપયોગમાં લેવા નહીં કે નદી- પાણી કે અન્ય સ્થળે ફેંકી ન દેતાં તેને ખાડો ખોદી જમીનમાં દાટી દેવા.

કોઇપણ સંજોગોમાં વધારે ભેજવાળી કે ગરમ જગ્યાએ દવાનો સંગ્રહ કરવો નહીં.

પાકમાં દવા છાંટતી વખતે રાખવાની કાળજી:

મોટાભાગે દવા છાંટતી વખતે અકસ્માત વધારે થાય છે અને દવા છાંટતી વખતે જો બરાબર ધ્યાન ન રાખવામાં આવો તો જાનહાનિ થાય છે. માટે આ અંગે પુરતી તકેદારી રાખવી હિતાવહ છે.

દવા છાંટવાના સ્થળે ચોખ્ખ પાણી, સાબુ અને ટુવાલની સગવડતા રાખવી અને ઉપયોગ કરવો.

સૂચના મુજબનું પ્રમાણ જાળવવું હિતાવહ છે.

શ્વાસોશ્વાસમાં દવા લેવાઇ ન જાય તે અંગે સાવચેતી રાખવી.

દવાનું પેકીંગ તોડતી વખતે દવાની અસર ન થાય તે રીતે યોગ્ય સાધન વડે પેકીંગ તોડવું અને કોઇપણ સંજોગોમાં મોઢાનો ઉપયોગ કરવો નહીં.

દવા છાંટતી વખતે દવાવાળા હાથે કંઇ ખાવું-પીવું નહીં, બીડી, તમાકુ કે મસાલો ખાવો નહીં. સાબુથી હાથ ધોઇ પછી જ આ વસ્તુ લેવી હિતાવહ છે.

પવન વિરૂદ્ધ દિશામાં દવાનો છંટકાવ ન કરવો.

બિમાર, અશક્ત કે દવાની એલર્જીવાળા માણસે દવા છંટકાવ કરવો નહીં.

દવા છાંટતી વખતે તેની ઝેરી અસરથી બચવા હંમેશા સંરક્ષણાત્મક કપડા પહેરવા, આાંખે ચરમા, હાથ મોજા, પગમાં બુટ, નાકે ગેસમાસ્ક પહેરી રાખવા અને કામ પૂરું થયે આ સાધનો પણ ધોઇ નાખવા.

કોઇપણ સંજોગોમાં સુતરાઉ કાપડની ટોપી માથા ઉપર પહેરવી નહીં. કારણકે સુતરાઉ કપડુ દવા વધારે રોષતું હોવાથી મુશ્કેલી ઉભી થઇ શકે છે.

દવાનો પંપ લીકેજ ન થાય તે માટે તપાસ કરતી રહેવી અને લીકેજ પંપથી દવા છાંટવી. નહીં. ખાસ પંપનું ઉપરનું ઢાંકણ બરાબર બંધ કરવું જરૂરી બને છે.

દવા ભરેલા પંપનો સંગ્રહ કરવો નહીં. છંટકાવ કાર્ય પુરું થયે પંપ બરાબર સાફ કરીને જ મુકવો.

હમેશા વહેલી સવારે અથવા સાંજના સમયે જ દવાનો છંટકાવ કરવાનો આગ્રહ રાખવો.

ગંધયુક્ત દવાનો છંટકાવ ગરમીના સમયમાં પાકની પાનની ડાળી ઉપર કરવો નહીં.

દવા છાંટતી વખતે દવા છાંટનારો અમક સમય સુધી દવા છંટકાવ કર્યા બાદ વિરામ લેવો અને આ સમયમાં ચોખી અને ખુલ્લી તાજી હવા મળે તેમ કરવું.

દવાનો છંટકાવ પિયત પાણીમાં ન ભળી જાય તે જેવું.

નિંદામણનાશક દવા જે અન્ય જગ્યાએ છાંટવામાં આવે તો પાક બળી જાય છે અથવા વિકૃતિ પેદા કરતી હોય તો નિંદામણનાશક દવા છંટકાવનો પંપ શકય હોય તો અલગ રાખવો અથવા તો સારી રીતે પંપ સાફ કર્યા બાદ ઉપયોગમાં લેવો.

દવા છાંટયા પછી સાબુથી બરાબર સ્નાન કરી અને શરીર સ્વચ્છ કરવું.

તળાવ, નદી કે સંગ્રહ કરેલા પાણીનાં ટાંકામાં નાહવું નહીં.

સ્નાન કર્યા બાદ સ્વચ્છ કપડાં પહેરવા.

દવાનો છંટકાવ કર્યા બાદ ખેતરમાં નકકી કરેલા સમય સુધી કોઇ મનુષ્ય કે પ્રાણી ન જાય તેની કાળજી રાખવી જોઇએ.

ફળ-ફૂલ અને શાકભાજીમાં દવા છાંટયા બાદ અઠવાડિયા સુધી તેને ઉતારવા નહીં. દવા છાંટયા બાદ તરત જ શાકભાજી કે ફળ-ફૂલ ઉતારી ઉપયોગમાં લેવા નહીં કે વેચવા નહીં.

હંમેશા દવા છાંટનારે ફેમીલી ડોક્ટર પાસે નિયમિત ચેકઅપ કરાવતા રહેવું અને પોતાના લોહીની તપાસ કરાવતા રહેવી. વધારે દવા છંટકાવ થતો હોય તેવા સમયે એક કરતાં વધારે વખત ચેકઅપ કરાવવું.

દવાની ઝેરી અસરથી બચવા પ્રાથમિક સારવાર સાધનોની પેટી વસાવવી અને તેની જાણકારી રાખવી.



ઝેરી અસર સામે પ્રાથમિક સારવાર:

પ્રતિકૂળ સંજોગોમાં દવાની ઝેરી અસર થાય અને ડોકટર આવે કે દવાખાને પહોંચીએ તે પહેલાં દર્દીને પ્રાથમિક સારવાર આપવી ખાસ જરૂરી બની રહે છે. જેથી જાનહાનિ નિવારી શકાય છે. આવા સમયે વધારે અસર હોય તો ૧૦૮ નંબર પર કોલ કરી શકાય છે.

ચામડી ઉપર ઝેરી અસર થઇ હોય તો તાત્કાલીક દર્દીના દવાવાળા કપડી બદલી નાખવા અથવા ધોઇને ફરીથી પહેરાવવા.

આાંખમાં ઝેરની અસર જણાય તો ૧૦-૧૫ મિનિટ પાણીનો છંટકાવ કરી આાંખ બરાબર સાફ કરવી અને આવી પરિસ્થિતિમાં ડોકટરની સલાહ વગર કોઇપણ રસાયણ કે દવા આાંખમાં નાખવી નહીં.

શ્વાસોશ્વાસમાં ઝેરની અસર જણાય તો દર્દીને તાજી અને ખૂલ્લી હવા મળી રહે તેવી જગ્યાએ લઈ જવુ.

11 February 2018

ખેતી પાકોમાં ઉધઈનુ નુક્સાન અને તેનુ સંકલીત નિયંત્રણ

ખેતી પાકોમાં ઉધઈનુ નુક્સાન અને તેનુ સંકલીત નિયંત્રણ
                                           
અંકુર વી. દેસાઇ, ડૉ. મુકેશ આર સિદ્ધપરા, અમિત યૂ ગોજીયા - કીટકશાસ્ત્ર વિભાગ, ન. મ. કૃષિ મહાવિધાલય, ન.કૃ.યુ. નવસારી (૩૯૬ ૪૫૦)

ઉધઈ એક અગત્યની બહુભોજીય રાષ્ટ્રીય જીવાત છે. ઉષ્ણકટિબંધના પરદેશોમાં જમીનમાં રાફડો બનાવી રહેતી ઉધઈ શેરડી, મગફળી, કપાસ, ઘઉં, મકાઈ, ભીંડા, રીંગણ, મરચી, ફળઝાડ અને સુશોભનના વૃક્ષોમાં ખુબજ નુકસાન કરે છે. તેમજ મકાનમાં લાકડાના બારી-બારણાં, લાકડાના ફર્નિચર વગેરે કોરી ખાય છે. આમ ઉધઈ એ ખેડૂત માટે એક દ્રષ્ટિએ પડકારરૂપ જીવાત છે. બીજી દ્રષ્ટિએ તે સૂકા પાંદડા તથા અન્ય સેંદ્રિય કચરાને ખાઈને પોષણ મેળવતી હોવાથી તેના નિકાલ માટે મદતકર્તા પણ છે. તેથી સેંદ્રિય કચરાના કોહવાણને વિપરીત અસર કર્યા વિના ખેતીમાં થતુ નુકસાન અટકાવવા તેના જીવનચક્ર અને ખોરાકની ખાસિયત સમજીને નિયંત્રણનાં પગલાં લેવા જોઈયે.


જીવનચક્ર:

ઉધઈ જમીનની અંદર અથવા બહાર રાફડો બનાવીને સમૂહમાં રહે છે. દરેક રાફડામાં રાજા, રાણી, સૈનિક તથા સૌથી વધુ સંખ્યામાં મજૂરોનો સમાવેશ થાય છે. દરેકને તેમનું કામ કરવા માટે વિશિષ્ટ પ્રકારની શરીર રચના હોય છે. ઉધઈનો રંગ પીળાશ પડતો સફેદ, પોંચું શરીર તથા  ચપટાં, ચાવીને ખાવાનાં મુખાંગો હોય છે. સામાન્ય રીતે રાફડામાં મુખ્ય બે જાત જોવા મળે છે. એક પ્રજનનક્ષમ જાત એટલે કે રાજા-રાણી જે શરૂમાં પાંખોવાળી હોય છે. બીજી નપુંસક જાત જે સૈનિક અને મજૂર જેને પાંખો હોતી નથી. રાફડામાં ૮0 થી ૯0 ટકા વસ્તી મજૂરોની હોય છે.

ઉધઈ ની વિવિત જાતો અને તેની કામગીરી

રાજા-રાણી : રાફડામાં રાણી સૌથી મહત્વનું સ્થાન ધરાવે છે. તે રાફડાના સંચાલનનું તથા ઈંડા મૂકવાનું કામ કરે છે. એક રાણી દરરોજ ૧૦,000 જેટલાં ઈંડા અને ૧૦ વર્ષમાં એક કરોડ જેટલા ઈંડા મૂકે છે.

મજૂર : મજૂરો રાણીએ મૂકેલા ઈંડા ઓગ્ય સ્થળે ખસેડવાનું, રાફડો બનાવવાનું, તેમની સાર સંભાળ રાખવાનું, ઇંડામથી નીકળેલાં બચ્ચાનો ઉછેર કરવાનું, રાફડો ચોખ્ખો રાખવાનું તથા બધા માટે ખોરાક પૂરો પાડવાનું કાર્ય કરે છે. ખોરાક માટે રાફડાની અંદર ફૂગના બગીચા પણ બનાવે છે.

રક્ષકો (સૈનિકો) : રાફડાની વસ્તીના ૨ થી ૩ ટકા જ રક્ષકો અથવા સૈનિકો હોય છે. તેનાં જબડાં લાંબા અને અણીદાર તથા મજબૂત હોય છે. તે રાફડાનું અંદરથી તથા બહારના દુશ્મનોથી રક્ષણ કરે છે. રાણીના પેટનો ભાગ અસંખ્ય ઈંડાના વિકાસને કારણે ખુબજ મોટો થતાં તે ૮ થી ૧૦ સે.મી. જેટલી લંબાઈ ધરાવે છે. ભારે પેટ અને નાના પગના કારણે ચાલી શકતી ન હોઈ રાફડામાં તેના માટે ખાસ બનાવેલ “રોયલ ચેમ્બર” માં રહે છે. મજૂરો રાણીને ત્યાંજ ખોરાક પૂરો પાડે છે. અને તેણીએ મૂકેલા ઈંડા યોગ્ય સ્થળે ખસેડી તેમાથી નીકળતા બચ્ચાંને ઉછેરે છે.

ચોમાસાની શરૂઆતમાં પ્રથમ વરસાદ પછી બદામી રંગની પાંખોવાળી ઉધઈ (કુંવર-કુંવરી) મોટી સંખમાં જમીનમાંથી સાંજના સમયે બહાર આવી ઉડવાનું શરૂ કરે છે. થોડા સમય ઉડયા બાદ તેમની પાંખો ખરી પડે છે. આવા પાંખ સિવાયનાં નર-માદા અથવા કુંવર-કુંવરી જોડકાં બનાવી સંભોગ બાદ રાજા-રાણી બને છે. અને સુરક્ષીત જમીનમાં ઉતારી જાય છે. રાણી ઈંડા મુકી નવા રાફડાની શરૂઆત કરે છે. ઈંડા ૧૫-૧૬ દિવસમાં સવાઈને બચ્ચાં નીકળે છે. જેના ઉછેર નર-માદા કરે છે. રાણી ઈંડા મૂકવાનું ચાલુ રાખે છે. તેમાંથી નીકળતા બચ્ચાંની સાર સંભાળની તમામ જવાબદારી પહેલાં નીકળેલ બચ્ચાં ઉઠાવે છે.

સંકલીત નિયંત્રણ:

ખેતરમાં ઉધઈ નો ઉપદ્રવ ઘટાડવા ના પગલાઓ:
પાકની કાપણી પછી જડિયા/કરાંઠી વગેરે અકઠા કરીને કંપોસ્ટના ખાડામાં નાખી સેંદ્રિય ખાતર બનાવવું.
સારુ કહોવાયેલું ખાતર જ વાપરવું.
જમીન તૈયાર કરતી વખતે દિવેલ, લીંબોળીકે કાણજીના ખોળનો ઉપયોગ કરવો.
પિયતની સગવડ હોય તો સમયસર  પિયત આપવું.
જમીનની બહાર બાંધેલા રાફડા શોધી તેનો નાશ કરવો.
રાફડામાં કાણું પાડી તેમાં એલ્યુમીનીયમ ફોસફાઈડની એક ગોળી મુકી ઉપરથી રાફડાનુ કાણું કાદવથી બંદ કરવું. આ સિવાય રાફડામાં ક્લોરપાયરીફોસ ૨૦ ટકા જંતુનાશક ૨૦ મી.લી./૧૦ લીટર અથવા ડાયક્લોરોવોશ ૭૬ ઈ.સી. ૭-૧૦ મી.લી/૧૦ લીટર પાણીનું પ્રવાહી રાફડાના કદ પ્રમાણે ૧૦ થી ૨૦ લીટર જેટલું રેડી માટીવાળી દેવી.
જુદા જુદા પાકમાં ઉધઈનો ઉપદ્રવ અટકાવવા પાકની વાવણી પહેલાં જમીન તૈયાર કરતી વખતે ક્લોરપાયરીફોસ ૧.૫ ટકા ભૂકી ૨૫ થી ૩૦ કી.ગ્રા./હે. મુજબ જમીનમાં ભેળવવી.
ઘઉ ના પાકમાં ઉધઈ નિયંત્રણ
ઘઉના પાકમાં બીજ માવજત આપી ઘઉની વાવણી કરવી. આ માટે ક્લોરપાયરીફોસ ૨૦ ટકા દવા ૪૫૦ મી.લી. અથવા બાયફેનથ્રીન ૧૦ ટકા દવા ૨૦૦ મી.લી. પ્રમાણે ૫ લીટર પાણીમાં મિશ્રણ કરીને ૧૦૦ કી.ગ્રા. ઘઉને તેનું મોણ આપી કલાક સુધી સુકવ્યા બાદ વાવણી કરવી.
ઘઉના ઉભા પાકમાં ઉધઈનો ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ ૨૦ ઈ.સી. ૨ થી ૩ પ્રમાણે પિયતના પાણી સાથે ટીપે ટીપે આપવી.
આ ઉપરાંત ક્લોરપાયરીફોસ ૨૦ ઈ.સી. ૪૫૦ મિ.લી. જંતુનાશક અથવા ફીપ્રોનીલ ૫ એસ.સી. ૧.૫ લી. જંતુનાશક ૫ લી. પાણીમાં મીશ્રણ કરી ૧૦૦ કિ.ગ્રા. કિ.ગ્રા.રેતી સાથે પુખી હળવુ પિયત આપવુ.
ફળઝાડ ના પાકમાં ઉધઈ નિયંત્રણ
ફળઝાડની વાડિઓમાં તથા સુશોભનના વૃક્ષોમાં ઉધઈનો ઉપદ્રવ અટકાવવા માટે ચોમાસા બાદ ક્લોરપાયરીફોસ ૨૦ ઈ.સી. ૨૦ મી.લી. જંતુનાશક ૧૦ લીટર પાણીમાં ભેળવીને બનાવેલ પ્રવાહી મિશ્રણ થડ ઉપર જમીનમાથી દોઢ ફુટ સુધી છાંટવું.
ફળઝાડની નવી કલમો રોપ્યાબાદ દીઠ કંટાળા થોરના એક કી.ગ્રા. જેટલા (૭-૮) ટુકડા નાખીને માટીથી ખાડા પૂરવા આ રીતે વર્ષમાં બે થી ત્રણ વાર થોરના ટુકડા નાખવા. 
ફળઝાડની નવી રોપેલ કલમોના ખાડાની આજુબાજુ ખરસાનીના કટકા રોપવા તથા જરૂર પડયે ત્યારે ક્લોરપાયરીફોસ ૨૦ ઈ.સી. દવા ૨૦ મી.લી. ૧૦ લીટર પાણીમાં મિશ્રણ બનાવી ખાડા દીઠ ૨ થી ૩ લીટર જેટલું રેડયા બાદ કલમની રોપણી કરવી.


મગફળીમાં ઉધઈ નિયંત્રણ
મગફળીમાં ડોળ (ધૈણ) તથા ઉંધઈનું નુકસાન અટકાવવા બીજને ક્વીનાલ્ફોસ ૨૫ ઈ.સી. અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઈ.સી. જંતુનાશક ૧૫-૨૦ મી.લી. અથવા ઈમીડાક્લોપ્રીડ ૨૦૦ એસ.એલ. જંતુનાશક ૫ મી.લી./૧ કી.ગ્રા. બીજ પ્રમાણે માવજત આપીને ૩ થી ૪ કલાક છાંયડામાં સુકવ્યા બાદ વાવણી કરવી.

શેરડી રોપવા તૈયાર કરેલ ચાસમાં રોપણી પહેલાં ક્લોરપાયરીફોસ ૧.૫ ટકા ભુકી ૩૦ કી.ગ્રા./હે. આપવી.
નીલગીરીના ઝાડમાં ઉધઈ નિયંત્રણ માટે ઝાડની ફરતે લોખંડના સળિયાથી ૮ થી ૧૦ ઈંચ ઉંડા ૫ થી ૬ કાણાં પાડી તેમાં ક્લોરપાયરીફોસ ૨૦ મી.લી./૧૦ લીટર પાણીનું પ્રવાહી મિશ્રણ રેડવું.

2 February 2018

ખેડૂતોને મૂર્ખ બનાવતું નરેન્દ્ર મોદી સરકારનું બજેટ - મયુર મહેતા ( કોમોડિટી વર્ડ & કૃષિ પ્રભાત)

સરકારે નક્કી કરેલા ટેકાના ભાવ ખેડૂતોને કયારેય મળ્યા જ નથી તો પછી ઉત્પાદન પડતરથી ટેકાના ભાવ ૧૫૦ ટકા વધારો કે ૧૦૦૦ ટકા, આવી જાહેરાતથી ખેડૂતોને શું મળે ?
-અત્યારે માર્કેટયાર્ડોના માળખા સુધારવાના કોઇ પગલાં નથી ત્યાં ૨૨ હજાર નવા ગ્રામિણ માર્કેટયાર્ડો બનાવવાની જાહેરાત, તે હવામાં મહેલ બાંધવા જેવી જાહેરાત છે.
-સિંચાઇ માટે ફંડ, ડેરી વિકાસ માટે ફંડ, પશુપાલન માટે ફંડ, ગૌસંવર્ધન માટે- આવા જુદા જુદા ફંડમાં ૧૦ હજાર કરોડ રૂપિયા ફાળવ્યા, પણ ખેડૂતો સુધી કેટલાં પહોંચશે ?
દેશમાં ખેડૂતોના નામે આઝાદી મળી ત્યારથી બધા જ રાજકીય પક્ષોએ રાજકારણ રમવામાં કોઇ કસર છોડી નથી, પણ નરેન્દ્ર મોદી સરકારે તો ખેડૂતોના નામે રોટલા શેકવામાં બધાને પાછળ છોડી દીધા છે. એમાંય આ વર્ષે રજૂ કરેલા બજેટમાં ખેડૂતોને મૂર્ખ બનાવતી એક નહીં અનેક યોજનાઓની જાહેરાત કરીને જાણે ખેડૂતો માટે આકાશમાંથી દેવ ઉતર્યા હોઇ તેવો દેખાવ કરવામાં આવ્યો છે પણ વાસ્તવિકતાં એ છે કે બજેટમાં ખેડૂતોના લાભ માટે માત્ર જાહેરાતો જ કરાઇ છે તેનો કોઇ લાભ ખેડૂતોને મળવાનો નથી.

બજેટમાં થયેલી જાહેરાતમાં સૌથી મોટી છેતરપિંડી ટેકાના ભાવ ખેડૂતોની ખેતી ખર્ચ એટલે કે પડતર કિંમતથી દોઢા (૧૫૦ ટકા) કરવાની જાહેરાતમાં થઇ છે. નરેન્દ્ર મોદી સરકારના છેલ્લા ચાર વર્ષમાં સરકારે જે ટેકાના ભાવ નક્કી કર્યા છે તે ભાવ પણ ખેડૂતોને મળતાં નથી તો પછી ટેકાના ભાવમાં ૧૫૦ ટકા વધારો કરો કે પછી ૧૦૦૦ ટકા વધારો કરો, શું ફેર પડવાનો છે ? ખેડૂતોને ટેકાના ભાવ મળતાં નથી તેનું ઉદાહરણ તમારી સામે અત્યારે પણ જીવતુંજાગતું છે. ગુજરાતની ચૂંટણી પહેલા મગફળીની ખરીદી ટેકાના ભાવથી મણે ૧૦ રૂપિયા વધારે એટલે કે ૯૦૦ રૂપિયામાં ખરીદવાની મોટેપાયે જાહેરાત કરાઇ હતી. આ જાહેરાત થઇ ત્યારથી માંડીને આજ સુધી કોઇ ખેડૂત ખુલ્લા બજારમાં મગફળી વેચવા ગયો ત્યારે કયારે ખેડૂતને ૯૦૦ રૂપિયા મળ્યા તેનો એક દાખલો પણ મળે તેમ નથી. અત્યાર પણ ખેડૂત માર્કેટયાર્ડમાં મગફળી વેચવા જાય તો તેને મણે ૭૫૦ રૂપિયાથી વધુ મળતાં નથી. સરકારી ખરીદીમાં તો એટલાં બધા વચેટિયા અને રાજકીય વગ ધરાવતાં ઘુસી ગયા છે કે ત્યાં તો ખેડૂતની મગફળી વેચવાનો વારો જ આવે તેમ નથી.

ગયા વર્ષે તુવેરના ભાવ ગગડી જતાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવ તુવેરની ખરીદવાની મોટેપાયે જાહેરાત કરવામાં આવી હતી. સરકારે તુવેરનો ટેકાનો ભાવ કિવન્ટલનો ૫૦૫૦ એટલે કે મણનો ૧૦૧૦ રૂપિયા નક્કી કર્યો હતો. આખું વર્ષ ગુજરાતના ખેડૂતોની તુવેર ૭૦૦ થી ૮૦૦ રૂપિયામાં જ વેચાણી હતી. આ વર્ષે ખરીફ સીઝન શરૂ થઇ ત્યારે સરકારે તુવેરનો ટેકાનો ભાવ કિવન્ટલના ૫૪૫૦ રૂપિયા એટલે કે મણના ૧૦૯૦ રૂપિયા નક્કી કર્યા છે. દેશના તુવેર ઉગાડતાં તમામ મુખ્ય સેન્ટરોમાં તુવેરનો ભાવ કિવન્ટલનો ૩૮૦૦ થી ૩૯૦૦ રૂપિયા ચાલે છે. દેશમાં સૌથી વધુ તુવેર મહારાષ્ટ્રમાં ઉગે છે ત્યાંના મુખ્ય સેન્ટર અહેમદનગરમાં તુવેરનો ભાવ ૩૮૦૦ થી ૩૯૦૦ રૂપિયા છે. રાજકોટ માર્કેટયાર્ડમાં ખેડૂતને તુવેરનો ભાવ મણનો ૬૫૦ થી ૮૬૦ રૂપિયા મળી રહ્યા છે. રવી સીઝન ચાલુ થઇ ત્યારે સરકારે ચણાનો ટેકાનો ભાવ કિવન્ટલનો ૪૪૦૦ રૂપિયા એટલે કે મણના ૮૮૦ રૂપિયા નક્કી કર્યા હતા. રાજકોટ માર્કેટયાર્ડમાં ચણાનો મણનો ભાવ ખેડૂતને ૬૬૦ થી ૭૭૫ રૂપિયા મળી રહ્યા છે. મગનો ટેકાનો ભાવ કિવન્ટલના ૫૫૭૫ રૂપિયા એટલે કે મણના ૧૧૧૫ રૂપિયા નક્કી કર્યા છે પણ રાજકોટ માર્કેટયાર્ડમાં મગ વેચવા આવતાં ખેડૂતને ૮૦૦ થી ૧૦૦૦ રૂપિયા મણે મળી રહ્યા છે. અડદનો ભાવ સરકારે કિવન્ટલનો ૫૪૦૦ રૂપિયા એટલે કે મણનો ૧૦૮૦ રૂપિયા નક્કી કર્યા છે. રાજકોટ માર્કેટયાર્ડમાં અડદ વેચવા આવતાં ખેડૂતને હાલ મણના ૫૫૦ થી ૮૩૦ રૂપિયા જ મળી રહ્યા છે. સરકારે રાયડાનો ટેકાનો ભાવ કિવન્ટલનો ૪૦૦૦ રૂપિયા એટલે કે મણના ૮૦૦ રૂપિયા નક્કી કર્યા છે. રાજકોટ માર્કેટયાર્ડમાં રાયડો વેચવા આવતાં ખેડૂતને હાલ મણના ૫૬૦ થી ૬૮૬ રૂપિયા મળી રહ્યા છે. ઘઉંનો ટેકાનો ભાવ સરકારે કિવન્ટલના ૧૭૩૫ રૂપિયા એટલે કે મણના ૩૪૭ રૂપિયા નક્કી કર્યા છે પણ માત્ર નામ પૂરતાં કેટલાંક ખેડૂતોને ૩૫૦ રૂપિયા ઉપર  ભાવ મળી રહ્યા છે. મોટાભાગના ખેડૂતોને તેમના ઘઉં ૩૧૩ થી ૩૩૦ રૂપિયામાં વેચવા પડી રહ્યા છે.

અત્યારે એક માત્ર કપાસ ઉગાડતાં ખેડૂતોને માર્કેટયાર્ડમાં સરકારે નક્કી કરેલા ટેકાના ભાવ કરતાં સારા ભાવ મળી રહ્યા છે તે સિવાય એકપણ વસ્તુમાં ટેકાના ભાવ જેટલાં પણ ભાવ મળતાં નથી તો પછી ટેકાના ભાવ પડતર કિંમતથી વધારો તો ખેડૂતોને તેનો શું ફાયદો મળે ? વાસ્તવમાં ખેડૂતોને સરકારે નક્કી કરેલા ભાવથી ખુલ્લા બજારમાં ઓછા મળે તો ખેડૂતોને ભાગે આવેલી નુકશાનીના વળતરની કોઇ જાહેરાત બજેટમાં થવાની જરૂર હતી. આ તો જે ભાવ ખેડૂતોને મળતાં જ નથી તેમાં ૧૫૦ ટકા વધારો કરવાની જાહેરાત તે ખેડૂતોને મૂર્ખ બનાવવાની જાહેરાત નહીં તો પછી છે શું ?

નાણાપ્રધાને બજેટમાં ખેડૂતોને ન સમજાય તેવા કેટલાંય નવા ફંડ ઊભા કરી દીધા હતા. ઇરિગેશન (સિંચાઇ) માટેનું ફંડ, માઇક્રો ઇરિગેશન ફંડ, ડેરિ ડેવલપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ, એકવા (માછીમારી) કલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ, એનીબલ (પશુપાલન) ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડની જાહેરાત કરી તેના માટે ૧૦ હજાર કરોડ રૂપિયાની નાણાફાળવણી કરી હતી પણ અત્યાર સુધી જુદી જુદી સરકાર દ્વારા આવા ફંડો ઊભા કરીને અબજો રૂપિયાની નાણાફાળવણી થઇ પણ તેમાંથી ખેડૂતો સુધી કેટલાં નાણા પહોંચ્યા ? તેનો કોઇ હિસાબ માગો તો ખબર પડે કે આવા ફંડના નાણા તો ખેડૂતોના નામે કોઇ બીજું ચરી જાય છે તેનો અત્તોપત્તો પણ મળતો નથી.

હાલના માર્કેટયાર્ડોના માળખાની હાલત તો ખેડૂતોને જ ખબર છે, માર્કેટયાર્ડોમાં ખરેખર ખેડૂત લૂંટાતો જ આવ્યો છે. જે માર્કેટયાર્ડો ચાલુ છે તેમાં સુવિધા વધે તે માટેની કોઇ જાહેરાત નથી કરાઇ પણ દેશમાં ૨૨ હજાર ગ્રામિક માર્કેટયાર્ડો બનાવવાની મોટેઉપાડે જાહેરાત કરાઇ હતી. આ ગ્રામિણ માર્કેટયાર્ડો કેટલાં મહિનામાં કે કેટલાં વર્ષમાં બનશે ? તેની કોઇ જાહેરાત બજેટમાં કરાઇ નથી.

કૃષિ અને ગ્રામિણ લક્ષી અનેક લાભો આપ્યાનો બજેટમાં મોટેેઉપાડે જાહેરાતો કરાઇ પણ વાસ્તવમાં ખેડૂતોને માત્ર ‘લોલીપોપ’ જ અપાઇ છે. ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની જાહેરાત ઠેર-ઠેર કરવામાં આવે છે પણ હાલ ખેડૂતોની સ્થિતિ શું છે ? દર વર્ષે દેશમાં ૧૩ થી ૧૪ હજાર ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે કારણ કે ખેતીખર્ચ કૂદકેને ભૂસકે વધી રહ્યો છે પણ તેની સામે ખેડૂતોને તેમની રાત-દિવસની કાળી મજૂરીનું પૂરૂ વળતર મળતું નથી. બજેટમાં રાષ્ટ્રપતિ-રાજ્યપાલોના પગારવધારા જાહેરાત કરાઇ  અને સાંસદોને દર પાંચ વર્ષે પગારવધારાનું વચન આપવામાં આવ્યું પણ દેશની સવાસો કરોડ જનતાંને બે ટંકનું ભોજન આપવાની જેના શિરે જવાબદારી છે અને તેનું વહન તે રાત-દિવસ કાળી મજૂરી કરીને કરે છે તેને ૨૦૨૨ સુધીનું ‘લટકણિયું’ અપાયું છે !!!! વાહ રે મોદીજી, તમે તો મોટી મોટી જાહેરાતો કરવામાં બધાને પછાડી દીધા.... 

નોંધ: વધુ માહીતી માટે કૃષિ પ્રભાત નો અંક વાંચશો

1 February 2018

#Budget2018 જેટલીની પોટલીમાંથી ખેડૂતો માટે નીકળ્યા આ 5 મોટા ફાયદા ......

#Budget2018 નાણામંત્રી અરૂણ જેટલી મોદી સરકારનું પાંચમુ સામાન્ય બજેટ સંસદમાં રજૂ કરી રહ્યાં છે. જેની પર દરેકની આશા છે કે અમારે માટે કાંઈક આવે. અરૂણ જેટલીએ બજેટના પહેલા ભાગમાં ખેડૂતો માટે ખુશીના સમાચાર આપ્યાં છે. કેટલી ખુશી મળશે એતો આવનાર સમયજ બતાવશે આવા બજેટ તો દરવર્ષે રજુ થતા હોઇ છે

મોદી સરકાર ભારતીય ખેડૂતોને સશક્ત કરવા માટે બનતા પ્રયત્નો કરી રહી છે. તો જોઈએ ખેડુતો માટે કઈ છે મહત્વની જાહેરાતો

1. અરૂણ જેટલીએ કહ્યું કે હવે ખેડુતોને તેમના ખર્ચનો દોઢ ગણું મળશે. તેમણે કહ્યું કે અનાજનું મુલ્ય ઉત્પાદનના ખર્ચથી દોઢ ગણુ કરવામા આવશે. જેટલીએ તે પણ કહ્યુ કે આ વર્ષે 30 કરોડ ટન ફળોનું ઉત્પાદન થયું છે. સરકારનો હેતુ છે કે વર્ષ 2022 સુધી ખેડૂતો ની આવકમાં બે ગણ વધારો કરવામાં આવે.

2. જેટલીએ કહ્યું કે આપણા 86 ટકાથી વધુ ખેડૂતો લઘુ ખેડુતો છે. તેમના માટે ગ્રામીણ કૃષિ બજારોનો વિકાસ પણ  શરૂ કરવામાં આવશે.

3. નાણામંત્રીએ જાહેર કર્યું કે ખેડુતો માટે ઈ-નેમ ગ્રામીણ બજાર બનાવાશે. જેનાથીખેડૂતોને પણ ડિજીટલ બનાવવામાં આવે.

4. અનાજ ઉત્પાદનની ચર્ચા કરતા  વિત્ત મંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે વર્ષ 2017-18માં આપણા દેશમાં 275 મિલિયન ટન અનાજનું ઉત્પાદન કરવામાં આવ્યું.

5. તેમણે કહ્યું કે બટાકા, ડુંગળી અને ટામેટાના ઉત્પાદન માટે મોદી સરકાર ઓપરેશન ગ્રીનની સ્થાપના કરશે.

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...