જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


2 February 2018

ખેડૂતોને મૂર્ખ બનાવતું નરેન્દ્ર મોદી સરકારનું બજેટ - મયુર મહેતા ( કોમોડિટી વર્ડ & કૃષિ પ્રભાત)

સરકારે નક્કી કરેલા ટેકાના ભાવ ખેડૂતોને કયારેય મળ્યા જ નથી તો પછી ઉત્પાદન પડતરથી ટેકાના ભાવ ૧૫૦ ટકા વધારો કે ૧૦૦૦ ટકા, આવી જાહેરાતથી ખેડૂતોને શું મળે ?
-અત્યારે માર્કેટયાર્ડોના માળખા સુધારવાના કોઇ પગલાં નથી ત્યાં ૨૨ હજાર નવા ગ્રામિણ માર્કેટયાર્ડો બનાવવાની જાહેરાત, તે હવામાં મહેલ બાંધવા જેવી જાહેરાત છે.
-સિંચાઇ માટે ફંડ, ડેરી વિકાસ માટે ફંડ, પશુપાલન માટે ફંડ, ગૌસંવર્ધન માટે- આવા જુદા જુદા ફંડમાં ૧૦ હજાર કરોડ રૂપિયા ફાળવ્યા, પણ ખેડૂતો સુધી કેટલાં પહોંચશે ?
દેશમાં ખેડૂતોના નામે આઝાદી મળી ત્યારથી બધા જ રાજકીય પક્ષોએ રાજકારણ રમવામાં કોઇ કસર છોડી નથી, પણ નરેન્દ્ર મોદી સરકારે તો ખેડૂતોના નામે રોટલા શેકવામાં બધાને પાછળ છોડી દીધા છે. એમાંય આ વર્ષે રજૂ કરેલા બજેટમાં ખેડૂતોને મૂર્ખ બનાવતી એક નહીં અનેક યોજનાઓની જાહેરાત કરીને જાણે ખેડૂતો માટે આકાશમાંથી દેવ ઉતર્યા હોઇ તેવો દેખાવ કરવામાં આવ્યો છે પણ વાસ્તવિકતાં એ છે કે બજેટમાં ખેડૂતોના લાભ માટે માત્ર જાહેરાતો જ કરાઇ છે તેનો કોઇ લાભ ખેડૂતોને મળવાનો નથી.

બજેટમાં થયેલી જાહેરાતમાં સૌથી મોટી છેતરપિંડી ટેકાના ભાવ ખેડૂતોની ખેતી ખર્ચ એટલે કે પડતર કિંમતથી દોઢા (૧૫૦ ટકા) કરવાની જાહેરાતમાં થઇ છે. નરેન્દ્ર મોદી સરકારના છેલ્લા ચાર વર્ષમાં સરકારે જે ટેકાના ભાવ નક્કી કર્યા છે તે ભાવ પણ ખેડૂતોને મળતાં નથી તો પછી ટેકાના ભાવમાં ૧૫૦ ટકા વધારો કરો કે પછી ૧૦૦૦ ટકા વધારો કરો, શું ફેર પડવાનો છે ? ખેડૂતોને ટેકાના ભાવ મળતાં નથી તેનું ઉદાહરણ તમારી સામે અત્યારે પણ જીવતુંજાગતું છે. ગુજરાતની ચૂંટણી પહેલા મગફળીની ખરીદી ટેકાના ભાવથી મણે ૧૦ રૂપિયા વધારે એટલે કે ૯૦૦ રૂપિયામાં ખરીદવાની મોટેપાયે જાહેરાત કરાઇ હતી. આ જાહેરાત થઇ ત્યારથી માંડીને આજ સુધી કોઇ ખેડૂત ખુલ્લા બજારમાં મગફળી વેચવા ગયો ત્યારે કયારે ખેડૂતને ૯૦૦ રૂપિયા મળ્યા તેનો એક દાખલો પણ મળે તેમ નથી. અત્યાર પણ ખેડૂત માર્કેટયાર્ડમાં મગફળી વેચવા જાય તો તેને મણે ૭૫૦ રૂપિયાથી વધુ મળતાં નથી. સરકારી ખરીદીમાં તો એટલાં બધા વચેટિયા અને રાજકીય વગ ધરાવતાં ઘુસી ગયા છે કે ત્યાં તો ખેડૂતની મગફળી વેચવાનો વારો જ આવે તેમ નથી.

ગયા વર્ષે તુવેરના ભાવ ગગડી જતાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવ તુવેરની ખરીદવાની મોટેપાયે જાહેરાત કરવામાં આવી હતી. સરકારે તુવેરનો ટેકાનો ભાવ કિવન્ટલનો ૫૦૫૦ એટલે કે મણનો ૧૦૧૦ રૂપિયા નક્કી કર્યો હતો. આખું વર્ષ ગુજરાતના ખેડૂતોની તુવેર ૭૦૦ થી ૮૦૦ રૂપિયામાં જ વેચાણી હતી. આ વર્ષે ખરીફ સીઝન શરૂ થઇ ત્યારે સરકારે તુવેરનો ટેકાનો ભાવ કિવન્ટલના ૫૪૫૦ રૂપિયા એટલે કે મણના ૧૦૯૦ રૂપિયા નક્કી કર્યા છે. દેશના તુવેર ઉગાડતાં તમામ મુખ્ય સેન્ટરોમાં તુવેરનો ભાવ કિવન્ટલનો ૩૮૦૦ થી ૩૯૦૦ રૂપિયા ચાલે છે. દેશમાં સૌથી વધુ તુવેર મહારાષ્ટ્રમાં ઉગે છે ત્યાંના મુખ્ય સેન્ટર અહેમદનગરમાં તુવેરનો ભાવ ૩૮૦૦ થી ૩૯૦૦ રૂપિયા છે. રાજકોટ માર્કેટયાર્ડમાં ખેડૂતને તુવેરનો ભાવ મણનો ૬૫૦ થી ૮૬૦ રૂપિયા મળી રહ્યા છે. રવી સીઝન ચાલુ થઇ ત્યારે સરકારે ચણાનો ટેકાનો ભાવ કિવન્ટલનો ૪૪૦૦ રૂપિયા એટલે કે મણના ૮૮૦ રૂપિયા નક્કી કર્યા હતા. રાજકોટ માર્કેટયાર્ડમાં ચણાનો મણનો ભાવ ખેડૂતને ૬૬૦ થી ૭૭૫ રૂપિયા મળી રહ્યા છે. મગનો ટેકાનો ભાવ કિવન્ટલના ૫૫૭૫ રૂપિયા એટલે કે મણના ૧૧૧૫ રૂપિયા નક્કી કર્યા છે પણ રાજકોટ માર્કેટયાર્ડમાં મગ વેચવા આવતાં ખેડૂતને ૮૦૦ થી ૧૦૦૦ રૂપિયા મણે મળી રહ્યા છે. અડદનો ભાવ સરકારે કિવન્ટલનો ૫૪૦૦ રૂપિયા એટલે કે મણનો ૧૦૮૦ રૂપિયા નક્કી કર્યા છે. રાજકોટ માર્કેટયાર્ડમાં અડદ વેચવા આવતાં ખેડૂતને હાલ મણના ૫૫૦ થી ૮૩૦ રૂપિયા જ મળી રહ્યા છે. સરકારે રાયડાનો ટેકાનો ભાવ કિવન્ટલનો ૪૦૦૦ રૂપિયા એટલે કે મણના ૮૦૦ રૂપિયા નક્કી કર્યા છે. રાજકોટ માર્કેટયાર્ડમાં રાયડો વેચવા આવતાં ખેડૂતને હાલ મણના ૫૬૦ થી ૬૮૬ રૂપિયા મળી રહ્યા છે. ઘઉંનો ટેકાનો ભાવ સરકારે કિવન્ટલના ૧૭૩૫ રૂપિયા એટલે કે મણના ૩૪૭ રૂપિયા નક્કી કર્યા છે પણ માત્ર નામ પૂરતાં કેટલાંક ખેડૂતોને ૩૫૦ રૂપિયા ઉપર  ભાવ મળી રહ્યા છે. મોટાભાગના ખેડૂતોને તેમના ઘઉં ૩૧૩ થી ૩૩૦ રૂપિયામાં વેચવા પડી રહ્યા છે.

અત્યારે એક માત્ર કપાસ ઉગાડતાં ખેડૂતોને માર્કેટયાર્ડમાં સરકારે નક્કી કરેલા ટેકાના ભાવ કરતાં સારા ભાવ મળી રહ્યા છે તે સિવાય એકપણ વસ્તુમાં ટેકાના ભાવ જેટલાં પણ ભાવ મળતાં નથી તો પછી ટેકાના ભાવ પડતર કિંમતથી વધારો તો ખેડૂતોને તેનો શું ફાયદો મળે ? વાસ્તવમાં ખેડૂતોને સરકારે નક્કી કરેલા ભાવથી ખુલ્લા બજારમાં ઓછા મળે તો ખેડૂતોને ભાગે આવેલી નુકશાનીના વળતરની કોઇ જાહેરાત બજેટમાં થવાની જરૂર હતી. આ તો જે ભાવ ખેડૂતોને મળતાં જ નથી તેમાં ૧૫૦ ટકા વધારો કરવાની જાહેરાત તે ખેડૂતોને મૂર્ખ બનાવવાની જાહેરાત નહીં તો પછી છે શું ?

નાણાપ્રધાને બજેટમાં ખેડૂતોને ન સમજાય તેવા કેટલાંય નવા ફંડ ઊભા કરી દીધા હતા. ઇરિગેશન (સિંચાઇ) માટેનું ફંડ, માઇક્રો ઇરિગેશન ફંડ, ડેરિ ડેવલપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ, એકવા (માછીમારી) કલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ, એનીબલ (પશુપાલન) ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડની જાહેરાત કરી તેના માટે ૧૦ હજાર કરોડ રૂપિયાની નાણાફાળવણી કરી હતી પણ અત્યાર સુધી જુદી જુદી સરકાર દ્વારા આવા ફંડો ઊભા કરીને અબજો રૂપિયાની નાણાફાળવણી થઇ પણ તેમાંથી ખેડૂતો સુધી કેટલાં નાણા પહોંચ્યા ? તેનો કોઇ હિસાબ માગો તો ખબર પડે કે આવા ફંડના નાણા તો ખેડૂતોના નામે કોઇ બીજું ચરી જાય છે તેનો અત્તોપત્તો પણ મળતો નથી.

હાલના માર્કેટયાર્ડોના માળખાની હાલત તો ખેડૂતોને જ ખબર છે, માર્કેટયાર્ડોમાં ખરેખર ખેડૂત લૂંટાતો જ આવ્યો છે. જે માર્કેટયાર્ડો ચાલુ છે તેમાં સુવિધા વધે તે માટેની કોઇ જાહેરાત નથી કરાઇ પણ દેશમાં ૨૨ હજાર ગ્રામિક માર્કેટયાર્ડો બનાવવાની મોટેઉપાડે જાહેરાત કરાઇ હતી. આ ગ્રામિણ માર્કેટયાર્ડો કેટલાં મહિનામાં કે કેટલાં વર્ષમાં બનશે ? તેની કોઇ જાહેરાત બજેટમાં કરાઇ નથી.

કૃષિ અને ગ્રામિણ લક્ષી અનેક લાભો આપ્યાનો બજેટમાં મોટેેઉપાડે જાહેરાતો કરાઇ પણ વાસ્તવમાં ખેડૂતોને માત્ર ‘લોલીપોપ’ જ અપાઇ છે. ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની જાહેરાત ઠેર-ઠેર કરવામાં આવે છે પણ હાલ ખેડૂતોની સ્થિતિ શું છે ? દર વર્ષે દેશમાં ૧૩ થી ૧૪ હજાર ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે કારણ કે ખેતીખર્ચ કૂદકેને ભૂસકે વધી રહ્યો છે પણ તેની સામે ખેડૂતોને તેમની રાત-દિવસની કાળી મજૂરીનું પૂરૂ વળતર મળતું નથી. બજેટમાં રાષ્ટ્રપતિ-રાજ્યપાલોના પગારવધારા જાહેરાત કરાઇ  અને સાંસદોને દર પાંચ વર્ષે પગારવધારાનું વચન આપવામાં આવ્યું પણ દેશની સવાસો કરોડ જનતાંને બે ટંકનું ભોજન આપવાની જેના શિરે જવાબદારી છે અને તેનું વહન તે રાત-દિવસ કાળી મજૂરી કરીને કરે છે તેને ૨૦૨૨ સુધીનું ‘લટકણિયું’ અપાયું છે !!!! વાહ રે મોદીજી, તમે તો મોટી મોટી જાહેરાતો કરવામાં બધાને પછાડી દીધા.... 

નોંધ: વધુ માહીતી માટે કૃષિ પ્રભાત નો અંક વાંચશો

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...