જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


5 December 2016

નોટોની અછત ઉભી કરી દેશને ડિજિટલ ટ્રાન્ઝેક્શન તરફ વાળવાનો પ્રયાસ છે…!

નોટબંધી પછી દેશના દરેક ઘરમાં નોટનો કકળાટ છે. 500-1000 રૂપિયાની જૂની નોટો બદલવાની, ખાતામાં ભરવાની, નવી નોટો લેવાની… આ ચર્ચા ચોરેને ચૌટે છે. બેંકોમાં કેશ નથી, ATM ખાલીખમ, ATMમાં પૈસા ભરાય તો કલાકો સુધી લાંબી લાઈનો લાગી જાય છે. નોટબંધી પછી 25 દિવસ વીતી ગયા છતાં બેંકો અને ATMમાં પૈસા નથીના પાટિયા ઝૂલી રહ્યાં છે. મોદી સરકારની નોટબંધીની વાહવાહી તો બહુ થઈ, પણ નોટબંધી પછી નવી નોટો આપવામાં મોદી સરકારની વ્યવસ્થા ખાડે ગઈ છે. દેશની પ્રજા હેરાનપરેશાન થઈ રહી છે. તેમ છતાં નાણાં મંત્રાલય, નાણાંપ્રધાન અરુણ જેટલી કહે છે કે સ્થિતિ સામાન્ય થતાં 3 મહિના લાગશે. રીઝર્વ બેંક કહે છે કે ‘કેશ’ની કોઈ કમી નથી, પણ બેંકોમાં કેશ આવતી નથી, તેનું શું…? પગારની તારીખો છતાં બેંકોમાં કેશ નથીના ગાણાં ગવાઈ રહ્યાં છે. કોણ જાણે નોટોની અછત ઉભી કરીને મોદી સરકાર લોકોને ફરજિયાતપણે ડિજિટલ તરફ વાળવા માગે છે, એ સ્પષ્ટ થઈ રહ્યું છે.

ગામડાઓની સ્થિતિ કફોડી, નોટબંધી પછીની વ્યવસ્થામાં સરકાર નિષ્ફળ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના દરેક ટ્રાન્ઝેક્શન કેશલેસ હોય તેવું સપનું જોયું છે, અને સાચુે પણ છે. દેશને બદલવાની જરુર તો છે જ. ભ્રષ્ટાચાર અને કાળાનાણાં સામેની લડાઈ માટે નોટબંધી જેવું ઉત્તમ પગલું કોઈ નથી. પણ તે પછીની વ્યવસ્થામાં સરકાર, નાણામંત્રાલય અને રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નિષ્ફળ ગયા છે. નોટબંધી પછી દેશમાં અનેક બિઝનેસ, વેપારધંધા, કોર્પોરેટ સેક્ટર, શેરબજાર, સોનુચાંદી, કોમોડિટીમાં મંદીના ઓળા ઉતર્યા છે. વેચાણો ઘટી ગયા છે. રેટિંગ એજન્સીઓએ જીડીપી ગ્રોથ ઘટીને આવવાનો અંદાજ રજૂ કર્યો છે. લોકો રોકડા નાણાં મેળવવા માટે ટળવળી રહ્યાં છે. ના છૂટકે હવે લોકો ડિજિટલ ટ્રાન્ઝેક્શન તરફ વળી રહ્યાં છે. એક અંદાજ મુજબ છેલ્લા પંદર દિવસમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં 25-35 ટકાનો વધારો થયો છે. જે બતાવે છે કે હવે લોકો ડિજિટલ ટ્રાન્ઝેક્શન તરફ વળી રહ્યાં છે. શહેરીજનો તો ડિજિટલ મોડ તરફ વળી જશે, પણ ગામડાની સ્થિતિ હજી વધુ કફોડી છે.

સરકારે પણ મીડિયાના દરેક માધ્યમોમાં જાહેરાત શરૂ કરી છે, લોકોમાં અવેરનેસ આવે તે માટે કેવી રીતે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી શકાય, તેની સમજ અપાઈ રહી છે. બેંકોમાં નવા ખાતાં ખોલવાની ઝૂંબેશ ચાલે છે. બેંકમાં ખાતાં છે, પણ ATM કાર્ડ, ડેબિટ કાર્ડ નથી આપ્યાં, તેવા લોકોએ કાર્ડ કઢાવવા માટે બેંકોમાં દોડાદોડી કરી મુકી છે. જોકે કેશલેસ ટ્રાન્ઝેક્શન થાય તે બેંકો માટે ખૂબ જ ફાયદાકારક છે. બેંકોના ખર્ચ ઘટી જશે. અને વ્યવહારો ઓનલાઈન થાય તો તે વધુ સુરક્ષિત રીતે થશે, પણ બેંકોએ એટલું જ સજાગ રહેવું પડશે, તેમાં કોઈ બે મત નથી. કાર્ડનો ઉપયોગ બીજી કોઈ વ્યક્તિ કરે છે કે કેમ… અને કાર્ડ ખોવાઈ જાય તેવા કિસ્સામાં પણ બેંકોએ ખૂબ ઝડપી કાર્યવાહી કરવી પડશે.

સરકારનો અભિગમ સરાહનીય

હવે આપણે મૂળ મુદ્દા પર આવીએ… સરકારનો અભિગમ ખરેખર સરાહનીય છે, દેશની પ્રજા પ્લાસ્ટિક મનીનો ઉપયોગ કરે તે ખૂબ જ જરુરી છે. કેશલેસ ટ્રાન્ઝક્શન ઈકોનોમીને ઘણો ફાયદો કરાવશે. દરેક ખર્ચમાં કાર્ડનો ઉપયોગ સમગ્ર બાબતોને(બે નંબરની આવક) બહાર લાવશે. તેવી ગણતરી સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને કેશલેસ બનાવવાનું સપનું દર્શાવ્યું છે. કાળાંનાણાં અને ભ્રષ્ટાચારને નાથવા માટે કાર્ડનો ઉપયોગ વધુ ઉપયોગી થશે. રોકડની હેરાફેરીનો ચોક્કસ પર્દાફાશ થશે, તેમાં કોઈ બે મત નથી. પણ હાલ તો સરકારે નોટોની અછત ઉભી કરીને લોકોને ડિજિટલ એટલે કે કેશલેસ ટ્રાન્ઝેક્શન તરફ વાળવા માટેનો પ્રયાસ કર્યો છે.

POS મશીનની ડિમાન્ડ વધી…

રીપોર્ટ અનુસાર સપ્ટેમ્બર-2016 સુધી દેશમાં 15 લાખ POS મશીન છે. દેશમાં અત્યારે ડિજિટલ ટ્રાન્ઝેક્શનની સાઈઝ 1.2 લાખ કરોડ રૂપિયાની છે. એટલે કે દેશમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, મોબાઈલ વોલેટ, નેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ દ્વારા કુલ 1.2 લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે. જો આ વ્યાપ વધે તો દેશની પ્રજા ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધે તો આની સંખ્યામાં અનેકગણો વધારો થઈ શકે છે. હવે દેશમાં કેશલેસ ઈકોનોમી માટે 2.1 કરોડ પોઈન્ટ ઓફ સેલ(POS) મશીન જોઈએ છે. જો કે હાલ POS મશીનની ડિમાન્ડમાં અનેકગણો વધારો થયો છે. જેને પરિણામે કેન્દ્ર સરકારે 31 માર્ચ 2017 સુધી સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટીમાંથી મુક્તિ આપી છે. હવે દરેક સ્થળો પર POS મશીન મુકાઈ જશે, અને તમામ પેમેન્ટ કાર્ડ દ્વારા થશે. દરેક વ્યક્તિના ખિસ્સામાં 2-3 બેંકોના કાર્ડ જોવા મળશે. ‘મેરા દેશ બદલ રહા હૈ’…

ક્રેડિટ કાર્ડના ડિફોલ્ટરો વધશે ?

ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં વધારો થશે, તેમતેમ ડિફોલ્ટરો વધવાનો પણ ભય રહેશે. બેંકોએ તેના માટે કડકમાં કડક કાયદાનું પાલન કરવું પડશે. સરકારે અને રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ક્રેડિટ કાર્ડના સંદર્ભમાં કડક કાયદા કરવા જોઈએ. ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ બે મહિના સુધી નહીં કરનારનું બેંક એકાઉન્ટ સીલ થઈ જાય તેવી જોગવાઈઓ લાવવી જોઈએ. જેથી ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ રેગ્યુલર રહે. અને લોકો ક્રેડિટકાર્ડનો ઉપયોગ સંયમપૂર્વક કરે.

ડિજિટલ ટ્રાન્ઝેક્શનઃ સાઈબર હુમલાનો ભય…

દેશ ડિજિટલ બને તેમાં કોઈને વાંધો ન હોય, અને પ્રજા ડિજિટલ બની પણ જશે. પરંતુ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કેટલું સુરક્ષિત હશે, તે પ્રશ્ન સર્જાયો છે. તાજેતરમાં એક રીપોર્ટ આવ્યો છે કે 2017માં ATM પર સાઈબર હૂમલા વધી શકે છે. અમેરિકાની સાઈબર સુરક્ષા કંપની ફાયરઆઈએ રીપોર્ટમાં કહ્યું છે કે એશિયાના ક્ષેત્રમાં 2017માં ATM પર સાઈબર હુમલા વધશે. આ વર્ષે જાપાન અને બાંગ્લાદેશમાં સાઈબર અને માલવેયર હુમલો થયો હતો. હવે આ એટેક બીજા દેશોમાં પ્રસરશે. ભારતમાં આવો સાઈબર એટેક થાય તો ડિજિટલ વ્યવહારો કેટલા સુરક્ષિત રહેશે. દરેક વ્યક્તિએ પોતાના ટ્રાન્ઝેક્શનને સતત ચેક કરતા રહેવું પડે અથવા તો બેંકમાંથી સ્ટેટમેન્ટ મેળવતા રહેવું. જો કે સરકારે પણ સાઈબર ક્રાઈમના કાયદામાં ફેરફાર કરીને તેના માટે અલગ ટીમની રચના કરવી જોઈએ.

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...