કોમોડિટી વોચઃ મિનિતા દવે
સંદેશ - 18 June 2018
દેશમાં કૃષિ પાકોના ઉત્પાદન અને સારા ભાવ અપાવનારો પાક વર્ષ ૨૦૧૭-૧૮ કપાસ-રૂ રહ્યો છે જે આગામી વર્ષ ૨૦૧૮-૧૯માં પણ કપાસ ખેડૂતોને સારી કમાણી કરાવી આપશે તેવું ચિત્ર અત્યારથી ઊપસી રહ્યું છે. માર્કેટમાં સંગ્રહાખોરો, સટોડિયાઓ-ટ્રેડરો તેમજ ખેડૂતો માટે કપાસ-કોટન વળતરદાયી સાબિત થયો છે. સિઝનની શરૂઆતથી જ એગ્રિ કોમોડિટીમાં એક માત્ર કપાસ તથા કોટનમાં સારી માત્રામાં વોલ્યુમ થઇ રહ્યાં છે. અન્ય એગ્રિ કોમોડિટીમાં મંદીના માહોલના કારણે વોલ્યુમ સાવ ઘટી ગયા છે. ચીનની માગમાં ઝડપી વૃદ્ધિ થવાના કારણે જોત..જોતામાં કપાસના ભાવ ઊંચકાઈ ગામડે બેઠા મણ દીઠ ૧,૧૦૦-૧,૨૦૦ બોલાઇ ગયા છે જ્યારે બેસ્ટ ક્વોલિટી માલોમાં રૂના ભાવ ઊંચકાઈ ૪૮,૦૦૦ની સપાટી કુદાવી ગયા છે. આગળ જતા ભાવ હજુ ગમે ત્યારે ઊંચકાઈ ૫૦,૦૦૦ની સપાટી કુદાવે તેવા પ્રબળ સંકેતો એનાલિસ્ટો દર્શાવી રહ્યાં છે.
કરન્સી માર્કેટમાં રૂપિયા સામે ડોલર મજબૂત બની રહ્યો હોય તેનો પણ લાભ નિકાસકારોની સાથે ખેડૂતોને મળી રહ્યાં છે. છેલ્લા બે વર્ષથી ખેડૂતોને કપાસમાં સારા ભાવ મળી રહ્યાં છે જેના કારણે ચાલુ વર્ષે કપાસનું વાવેતર વધ્યું હતું સામે ઉત્પાદન પણ વધીને ૩૬૫ લાખ ગાંસડી આસપાસ રહેશે તેવો નિર્દેશ કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યો છે. જોકે નવી સિઝનમાં સારા ભાવ છતાં ઉત્પાદન ઘટી જાય તો નવાઈ નહીં તેવું અત્યારથી એજન્સીઓ દ્વારા જાણવા મળ્યું છે. નવી સિઝનમાં રૂનો પાક ૩૫૦ લાખ ગાંસડી રહી જશે તેવો અંદાજ અગ્રણી રેટિંગ એજન્સી ઇક્રા દ્વારા મૂકવામાં આવ્યો છે. કપાસના ખેડૂતો કપાસને બદલે હવે સોયાબીન તથા અન્ય પાકોના વાવતેર તરફ વળશે આમ દેશમાં કપાસનું વાવેતર પણ ઘટીને ૧૧૦-૧૧૫ લાખ હેક્ટરની વચ્ચે રહી જશે તેવો નિર્દેશ કરાઇ રહ્યો છે. મોટા ભાગના ઉત્પાદક રાજ્યોમાં પિંકવર્બના ઉપદ્રવના કારણે વાવેતર વિસ્તારમાં ઘટાડો આવી શકે છે.સૌથી વધુ અસર મહારાષ્ટ્ર, પંજાબમાં જોવા મળી છે. જ્યારે ગુજરાતમાં નહીંવત્ અસરના કારણે ઉત્પાદન આ વર્ષે વધીને ૧૦૮ લાખ ગાંસડીને આંબી જશે.
કોમોડિટીમાં ૨૦૧૮નું વર્ષ કપાસ-કોટન માટે તેજીમય બની રહ્યું છે અને બની રહેશે તેવું ચિત્ર ઊપસી રહ્યું છે. એગ્રિ કોમોડિટીમાં સટોડિયાઓ વારાફરતી એક પછી એક કોમોડિટીમાં ભરપૂર સટ્ટો કરી રહ્યાં છે. પહેલા એરંડા-ચણા ત્યાર બાદ ધાણા-જીરુંમાં મોટા પાયે સટ્ટો કર્યા બાદ ઉપરોક્ત એક પણ કોમોડિટીમાં સારી કમાણી ન દેખાતા કપાસ તરફ વળ્યા હતા અને છેલ્લા બે-ત્રણ મહિનાથી કપાસ-રૂ વાયદામાં સારી કમાણી કરી રહ્યાં છે. ખેડૂતોની ગામડે મજબૂત પક્કડ રહેતા હાજરમાં કપાસ મણ દીઠ ૧૧૫૦ ઉપર બોલાઇ રહ્યાં છે. સાથો-સાથ રૂમાં પણ તેજી લંબાઇ ગાંસડી દીઠ ભાવ ૪૮,૦૦૦ની સપાટી પહોંચી ગયા છે. દેશમાં કપાસનું વાવેતર જૂનના બીજા સપ્તાહ સુધીમાં માત્ર ૧૨.૪૮ લાખ હેક્ટરમાં જ રહ્યું છે જે અગાઉના વર્ષે આ સમયમાં ૧૪.૦૬ લાખ હેક્ટરમાં રહ્યું હતું. જ્યારે ગુજરાતમાં માત્ર ૪૭,૦૦૦ હેક્ટરમાં જ વાવેતરની કામગીરી થઇ છે.
દેશમાં અત્યાર સુધીમાં ૩૪૦ લાખ ગાંસડી આસપાસનો માલ બજારમાં આવી ચૂકયો છે. જ્યારે ૪૦-૪૨ લાખ ગાંસડીનો માલ અનસોલ્ડ છે. નવી સિઝન શરૂ થતા સુધીમાં મોટા ભાગનો માલ સ્ટોક પીવાઇ જશે તેવું જાણકારોનું કહેવું છે. વૈશ્વિક બજાર ભાવ પર રૂની નિકાસને વેગ મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ રૂ-યાર્નની નિકાસમાં આગળ વધી રહ્યાં છે જેના કારણે ભારતમાંથી રૂની નિકાસ ચાલુ વર્ષની શરૂઆતમાં નિકાસ વેપારને અસર પડી હતી પરંતુ અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરનો લાભ ભારતીય નિકાસકારોને મળી રહ્યો છે. ચીનની મોટા પાયે માગ ખૂલતા નિકાસ વેપાર આ વર્ષે વધીને ૭૩-૭૫ લાખ ગાંસડીની નિકાસ થઇ જશે જે ગત વર્ષે દેશમાંથી ૬૦-૬૨ લાખ ગાંસડીના નિકાસ વેપારો થયા હતા. કપાસના ખેડૂતોને સારા ભાવ મળી રહ્યાં છે એટલું જ નહીં વૈશ્વિક સ્તરે સર્જાયેલા ટ્રેડ વોરના કારણે ભારતીય માર્કેટને સારો લાભ મળશે તે નક્કી છે. કપાસના ખેડૂતોને મણ દીઠ સરેરાશ ૮૫૦ ઉપર જ ભાવ મળ્યા છે. જોકે, ગુણવત્તાવાળા કપાસમાં ખેડૂતોએ મણ દીઠ ૧,૧૫૦ સુધી ભાવ મેળવ્યા છે.
વૈશ્વિક ટ્રેડ વોરમાં ભારતીય રૂના નિકાસકારો તેમજ કપાસ ઉત્પાદક ખેડૂતોને તેનો લાભ મળ્યો છે અને મળશે તે નક્કી છે. કેમ કે ચીન સૌથી વધુ કોટનની આયાત અમેરિકાથી કરે છે પરંતુ ચીને અમેરિકાથી આયાત થતી મોટા ભાગની કોમોડિટી પર આયાત ડયૂટી લાગુ કરી છે જેમાં કોટનનો પણ સમાવેશ થયો છે આવા સંજોગોમાં ચીન હવે અમેરિકાને બદલે ભારતથી મોટા પાયે કોટનની આયાત કરશે તે નક્કી છે. છેલ્લા કેટલાક મહિનાથી મોટા પાયે નિકાસ થઇ રહી છે.
રૂના ટેકાના ભાવમાં જંગી વધારો થાય તો વાવેતર વધી જશે
ખરીફ ટેકાના ભાવ વધારાની જાહેરાત ટૂંકાગાળામાં થશે તે નક્કી છે. જો ટેકાના ભાવમાં ન ધારેલો વધારો થાય તો વાવેતર વિસ્તાર વધી શકે તેમ છે. આ ઉપરાંત કપાસના બિયારણની કિંમતમાં સરેરાશ ૭.૫ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે જેના કારણે પણ કપાસનું વાવેતર વધી શકે છે. એક પેકેટ બિયારણની કિંમત ઘટાડીને ૭૪૦ કરી દેવામાં આવી છે. સારા વરસાદના કારણે પણ ખેડૂતોનો ઝોક આગળ જતા વધે તો નવાઇ નહીં.
ચીનની માગ, ડોલરની તેજીથી નિકાસ ૭૫ લાખ ગાંસડી આંબશે
રૂની નિકાસમાં કરન્સી મહત્ત્વનો ભાગ ભજવી રહી છે. ટ્રેડ વોર પછી ચીનની માગ મોટા પાયે ખૂલતાની સાથે જ કરન્સી માર્કેટમાં રૂપિયા સામે ડોલર ઊંચકાઇને ૬૭ની સપાટી કુદાવી જતા તેનો સૌથી વધુ લાભ મળી રહ્યો છે. જો કે હજુ જીએસટીના કારણે નિકાસકારોના રિફંડ અટવાઇ ગયા હોવાથી નવા નિકાસ વેપારો ધારણા મુજબ થતા નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ રૂ-યાર્નની નિકાસમાં આગળ વધી ગયા હતા પરંતુ આગામી વર્ષે ભારત ફરી આગળ નીકળી જશે તેવા પ્રબળ સંકેતો મળી રહ્યાં છે.
- ચીનની ધૂમ માંગથી રૂના ભાવમાં વન-વે તેજી, ૫૦,૦૦૦ નજીક પહોંચ્યા, ૨૦૧૮-૧૯ માટે હોટ કોમોડિટી સાબિત થઇ શકે
- કપાસના ખેડૂતોને સારા ભાવથી ફાયદો, ક્વોલિટી માલોમાં મણ દીઠ ૧,૦૦૦-૧,૨૫૦થી ઉપરના ભાવે પણ વેચાણમાં વેઇટ એન્ડ વોચ
- કોટનના પાકના અંદાજોમાં અનેક બદલાવ, સિઝનના અંતે ૩૬૫ લાખ ગાંસડી આસપાસ ઉત્પાદન રહેવા કોટન એસોસિએશનનો અંદાજ
- દેશમાં ચાલુ સિઝનના ૪૨-૪૫ લાખ ગાંસડીનો માલ અનસોલ્ડ, ૩૪૦ લાખ ગાંસડીનો માલ બજારમાં