બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ
રાજકોટ, તા. ૧૦ : અરબી સમુદ્રવાળી સિસ્ટમ્સ મજબૂત બની ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે. આ સિસ્ટમ્સ આગામી ૨૪ કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે. આ સિસ્ટમ્સના પગલે આગામી ૧૨ થી ૧૫ જૂન દરમિયાન સૌરાષ્ટ્રના ખાસ કરીને અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં વરસાદની શકયતા વધુ રહેલી હોવાનું જાણીતા વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે ની આગાહી.
તેઓએ જણાવેલ કે, ગઈકાલે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં સવારે લો પ્રેસર થયુ હતું જે સાંજે વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયેલ. આજે સવારે વધુ મજબૂત બની ડિપ્રેશનમાં પરિવર્તિત થયુ છે. જેનું લોકેશન ૧૨.૧ નોર્થ, ૭૧.૨ ઈસ્ટ જે નોર્થ કેરળના દરિયા કિનારાથી ૪૨૫ કિ.મી. પશ્ચિમે છે. જેનું પ્રેશર ૯૯૭ મિલીબાર છે. તેમજ પવન ૫૦ થી ૫૫ કિ.મી.ની ઝડપે (એક મિનિટની સરેરાશ) ફૂંકાય છે.
આ સિસ્ટમ્સ મુખ્યત્વે શરૂઆતમાં ઉત્તર બાજુ ગતિ કરશે અને ૧૨મીના કોંકણથી પશ્ચિમે અને સૌરાષ્ટ્રથી દક્ષિણે પહોંચશે. જે મજબૂત બની આગામી ૨૪ કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થાય ત્યારબાદ આ સિસ્ટમ્સ નોર્થ-વેસ્ટ તરફ જશે. આ સિસ્ટમ્સના લીધે દક્ષિણ અરબી સમુદ્રમાં બાકીના ભાગમાં ચોમાસુ બેસવા સિસ્ટમ્સ અનુકુળ છે. તેમજ મધ્ય અરબી સમુદ્રના થોડા ભાગોમાં પણ આવતા ૨૪ કલાકમાં આગળ ચાલશે. પૂર્વોત્તર રાજયોમાં પણ ચોમાસુ બેસવા વાતાવરણ અનુકુળ છે. સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતને આ સિસ્ટમ્સ અસરકર્તા હોય. સાવચેતી રાખવી. દરિયાકાંઠાના વિસ્તારમાં પવન અને વરસાદની શકયતા હોય જેથી હવામાન ખાતાની સુચનાને અનુસરવુ.